હાલ લૉકડાઉનનાં કારણે બધા જ ઘરે હોય છે. એટલે બધાની ફરમાઈશ ચાલુ થઈ જાય કે કાંઈક મસ્ત બનાવો. તો અહીં તમારા માટે પનીર ચીલી ભુરજી અને ચીઝ લચ્છેદાર પરોઠા બનાવવાની રીત છે. જે સરળ અને સ્વાદમાં ટેસ્ટી છે. તો ફટાફટ રીત જોઇને પરિવારને કરી દો ખુશ.
સામગ્રી
ડુંગળી બે નંગ
ટામેટાં 250 ગ્રામ
કેપ્સિકમ મરચાં 250 ગ્રામ
એક નાનો ટુકડો આદુ
પનીર 250 ગ્રામ
ઝીણું છીણેલું ચીઝ
પોણી ચમચી ખાંડ
પ્રમાણસર મીઠું
ઝીણી સમારેલી કોથમીર
બે નંગ લાલ મરચાં
એક ચમચી હળદર પાઉડર
જીરું પાઉડર એક ચમચી
નાની વાટકી ઘી
રીત
ડુંગળી અને કેપ્સિકમ લાંબા ટુકડામાં કાપો. જીરું, મીઠું, કોથમીર, હળદર, મરચું, ખાંડ અને આદુને એક સાથે પીસી લો.
એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં પીસેલા મસાલાને ધીમા તાપે સાંતળો. દસેક મિનિટ સુધી સાંતળ્યા બાદ તેમાં કેપ્સિકમ મરચાં નાંખી પાંચ મિનિટ ગરમ કરો.
મરચાં અને ટામેટાં નરમ થાય ત્યાર બાદ તેમા અડધો કપ પાણી ઉમેરો.
બરોબર મિક્સ થાય ત્યાર બાદ તેમાં ઝીણું સમારેલું ચીઝ અને પનીર છીણીને તેમાં મિક્સ કરો.
મિશ્રણને સતત હલાવતા રહી બરોબર ગરમ કરો. ગરમાગરમ પીરસો.
ચીઝ લચ્છેદાર પરોઠા
સામગ્રી
મેંદો બેથી અઢી કપ
ચીઝ ખમણેલું અડધો કપ
મીઠું સ્વાદ મુજબ
બેકિંગ પાઉડર અડધી ચમચી
ચપટી સાકર શેકવા બટર અથવા તેલ ૧/૪ કપ.
રીત
મેંદામાં ખમણેલું ચીઝ, મીઠું, સાકર, બેકિંગ પાવડર ઉમેરી બહુ નરમ નહીં બહુ
કઠણ નહીં તેવી કણક બનાવો.
કણકમાંથી મોટી સાઈઝની રોટલી વણવી.
તેમાંથી નાની નાની પટ્ટીઓ કાપવી.
તે પટ્ટીને ફરતી ગોઠવવી. મોટું પરોઠું તૈયાર કરવું. વેલણ વડે સહેજ દબાવી વણવું.
તવીમાં બટર અથવા તેલ લગાવી બંને બાજુ બદામી રંગનું શેકવું.